perloader
Monday - Saturday 10:00 AM - 12:00 PM
05:00 PM - 08:00 PM
EMERGENCY ( 24X7 )
Blog

Dietary Modification in Kidney Failure Patient (કિડની ફેલ્યરના દર્દીઓમાં ખોરાક)

1

Dietary Modification in Kidney Failure Patient (કિડની ફેલ્યરના દર્દીઓમાં ખોરાક)

Post by Admin On 02 Dec, 2020

કિડની ફેલ્યર માં ખોરાક

  • શરીરમાં બનતા બિનજરૂરી અને ઝેરી પદાર્થોને પેશાબ દ્વારા દૂર થતા હોય છે. શરીરમાં પ્રવાહી અને ક્ષારનું નિયમન જાળવી રાખવા કિડની જરૂરી છે.

    ખોરાકમાં પરેજી રાખવા થી થતા ફાયદઓ: 


      • કિડની બગડવાની ઝડપ ઘટાડવી અને ડાયાલિસિસની જરૂર મોડી થાય તે માટે પ્રયત્નો કરવા.
      • લોહીમાં ક્રીએટીનીન તથા યુરિયાના વધુ પ્રમાણના કારણે થતા ગંભીર પ્રશ્નોને અટકાવવા.
      • શરીરમાં યોગ્ય પ્રમાણમાં વિટામિન, મિનરલ્સ અને અન્ય જરૂરી તત્ત્વો જાળવી રાખવા.
      • શરીરમાં પ્રવાહી અને ક્ષારના પ્રમાણમાં ફેરફારને કારણે થતા ગંભીર પ્રશ્નોને અટકાવવા.

      વધુ કેલેરી ધરાવતો ખોરાક લેવો

      ૧. વધુ કેલેરી ધરાવતો ખોરાક લેવો

      શરીરના રોજિંદા કામો માટે, શરીરનું તાપમાન જાળવવા માટે અને યોગ્ય વજન રહે તે માટે પૂરતા પ્રમાણમાં કેલેરી લેવી જરૂરી છે. કેલેરી મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબીવાળા ખોરાકમાંથી મળે છે. સી.કે.ડી.ના દર્દીઓમાં રોજિંદા ખોરાકમાં કેલેરીની માત્રા ૩૫-૫૦ કિ.કેલેરી પ્રતિકિલોગ્રામ વજન જરૂરી છે. જો ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલેરી ન હોય તો કેલેરી મેળવવા માટે પ્રોટીન વપરાય છે અને તેથી શરીરમાં હાનિકારક ઉત્સર્ગ પદાર્થો વધુ પ્રમાણમાં બને છે, અને શરીરને પ્રોટીન ઓછું મળે છે. શરીરમાં પ્રોટીન ઘટવાથી કુપોષણ, ચેપ લાગવા માટેની વધુ સંભાવના વગેરે હાનિકારક આડઅસરો થાય છે. આ કારણસર કિડની ફેલ્યરના દર્દીઓને પૂરતા પ્રમાણમાં કેલેરી લેવાની સલાહ આપવામાં આવે છે.

      કાર્બોહાઈડ્રેટ્સ :

      શરીરને જરૂરી કેલેરી પ્રાથમિક રીતે કાર્બોહાઈડ્રેટ્સમાંથી મળે છે. કાર્બોહાઈડ્રેટ્સ ધરાવતા ખોરાકમાં બ્રેડ, કઠોળ, ચોખા, બટેટા, ફ્રૂટ, શાકભાજી, ખાંડ, મધ, કેક, મીઠાઈ અને ઠંડાં પીણાંનો સમાવેશ થાય છે. ડાયાબિટીસ અને વધુ વજનવાળા દર્દીઓએ કાર્બોહાઈડ્રેટ્સવાળો ખોરાક ઓછો લેવો.

      ચરબીયુક્ત પદાર્થો :

      કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનમાંથી મળે તે કરતાં પણ વધુ પ્રમાણમાં કેલેરી ચરબીવાળા ખોરાકમાં મળે છે. ઘી, માખણ વગેરે ખોરાકમાં ઓછા લેવા જોઈએ. પરંતુ, તે સદંતર બંધ કરી દેવા હાનિકારક છે.

      રોજિંદા વપરાશમાં સીંગતેલ કે સોયાબીન તેલ ઓછા પ્રમાણમાં લેવાની સલાહ આપવામાં આવે છે. વધુ પ્રમાણમાં ચરબીયુક્ત ખોરાક અને કોલેસ્ટ્રોલયુક્ત ખોરાકથી કિડની તથા હૃદયને નુકસાન થાય છે.

      પ્રોટીન માં કાળજી

      ૨. પ્રોટીનમાં કાળજી :

      ખોરાકના મુખ્ય પોષક તત્ત્વોમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ (ચરબી)નો સમાવેશ થાય છે. પ્રોટીન શરીરના બંધારણ, વિકાસ અને સ્નાયુના બંધારણમાં મોટો ભાગ ભજવે છે.

      કિડની ફેલ્યરના દર્દીઓને વધારે પ્રોટીનવાળો ખોરાક ન લેવાની સલાહ આપવામાં આવે છે. જોકે શાકાહારી દર્દીઓના ખોરાકમાં પ્રોટીનના પ્રમાણમાં કોઈ મોટો ફેરફાર કરવાની જરૂર પડતી નથી. નબળા પ્રકારના પ્રોટીન ધરાવતા કઠોળવાળો ખોરાક ઓછા પ્રમાણમાં લેવાની સલાહ આપવામાં આવે છે.

      મુખ્યત્વે દૂધ, કઠોળ, અનાજ, ઈંડાં, મરઘી વગેરેમાં વધારે પ્રોટીન મળે છે. ડાયાલિસિસની જરૂર ન હોય એ તબક્કામાં હોય તેવા કિડની ફેલ્યરના દર્દીઓને ઓછું પ્રોટીન (૦.૮ ગ્રામ/કિલોગ્રામ શરીરને અનુરૂપ) લેવાની સલાહ આપવામાં આવે છે. જોકે નિયમિત ડાયાલિસિસ શરૂ કર્યા બાદ, ખાસ કરીને સી.એ.પી.ડી. કરાવતા દર્દીઓમાં વધુ પ્રોટીન લેવું અત્યંત આવશ્યક છે. સી.એ.પી.ડી.નું પ્રવાહી પેટની બહાર નીકળે ત્યારે સાથે પ્રોટીન નીકળી જતું હોવાથી જો વધારાનું પ્રોટીન આપવામાં ન આવે તો શરીરમાં પ્રોટીન ઘટી જાય છે, જે હાનિકારક છે.

      પ્રવાહીમાં કાળજી

      ૩. પ્રવાહીમાં કાળજી :

      કિડની ફેલ્યરના દર્દીઓએ પ્રવાહી લેવામાં કાળજી રાખવી શા માટે જરૂરી છે?

      કિડની શરીરમાં યોગ્ય પ્રમાણમાં પ્રવાહી જાળવી રાખવાનું અને વધારાનું પ્રવાહી દૂર કરવાનું મહત્ત્વનું કામ કરે છે.

      કિડનીની કાર્યક્ષમતા ઘટવા સાથે દર્દીને થતા પેશાબના પ્રમાણમાં પણ સામાન્ય રીતે ઘટાડો થતો જોવા મળે છે. આ તબક્કે જો પ્રવાહી વધુ લેવામાં આવે તો શરીરમાં પ્રવાહી વધી જતા સોજા અને શ્વાસની તકલીફ થઈ શકે છે, જે અત્યંત વધે તો જીવલેણ પણ બની શકે છે.

      શરીરમાં પ્રવાહીનું પ્રમાણ વધી ગયું છે, તે કઈ રીતે જાણી શકાય?

      સોજા ચડવા, પેટ ફૂલી જવું, શ્વાસ ચડવો, લોહીના દબાણમાં વધારો થવો, વજનમાં ટૂંકા ગાળામાં નોંધપાત્ર વધારો થવો વગેરે ચિહ્નો શરીરમાં પ્રવાહીની માત્રા વધી ગઈ છે તેવું સૂચવે છે.

      કિડની ફેલ્યરના દર્દીઓએ કેટલું પ્રવાહી લેવું જોઈએ?

      કિડની ફેલ્યરના દર્દીઓએ ડૉક્ટરની સૂચના મુજબ જ પ્રવાહી લેવું જોઈએ. કિડનીના દર્દીઓએ વધુ પ્રવાહી લેવું જોઈએ તે માન્યતા ખોટી છે.

      કિડની ફેલ્યરના દર્દીઓએ કેટલું પ્રવાહી લેવું તે દર્દીને થતા પેશાબ અને શરીરમાંના સોજાને ધ્યાનમાં લઈ નક્કી કરવામાં આવે છે. જે દર્દીને પેશાબ પૂરતા પ્રમાણમાં થતો હોય અને સોજા ન હોય, તેવા દર્દીઓને ઇચ્છા મુજબ પ્રવાહી લેવાની છૂટ આપવામાં આવે છે.

      જે દર્દીઓમાં પેશાબનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય અને સોજા હોય તેવા દર્દીઓને પ્રવાહી ઓછું લેવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે ૨૪ કલાકમાં થતો કુલ પેશાબ + ૫૦૦ એમ.એલ. જેટલું પ્રવાહી લેવાની છૂટ આપવાથી સોજા થતા કે વધતા અટકાવી શકાય છે. પરંતુ સોજા ઘટાડવા માટે ૨૪ કલાકમાં થતા કુલ પેશાબ કરતા ઓછા પ્રમાણમાં પ્રવાહી લેવું આવશ્યક છે.

      કિડની ફેલ્યરના દર્દીઓએ દરરોજ વજન કરી નોંધ રાખવી શા માટે જરૂરી છે?

      પ્રવાહીનું પ્રમાણ યોગ્ય રીતે ડૉક્ટરની સૂચના મુજબ લેવામાં આવે તો વજન પણ યથાવત જળવાઈ રહે છે. એકાએક ટૂંકા સમયગાળામાં વજન વધવું તે શરીરમાં પ્રવાહીનું પ્રમાણ વધી ગયું છે તેવું સૂચવે છે. આવા દર્દીઓએ પ્રવાહીની માત્રામાં ઘટાડો કરવો જોઈએ અને ડૉક્ટરની સૂચના મુજબ પેશાબ વધારવાની દવા લેવાથી સોજા અને વજનમાં ઘટાડો થાય છે.

      પ્રવાહી ઓછી માત્રામાં લેવા માટે મદદરૂપ સૂચનો :

      1. રોજ વજન કરવું : સૂચના મુજબનું ઓછું પ્રવાહી લેવાથી વજન યથાવત્ રહે છે. વજનમાં એકાએક વધારો થાય તો પ્રવાહી વધારે માત્રામાં લેવામાં આવ્યું છે તેવું સૂચવે છે. આવા દર્દીઓને પ્રવાહીની માત્રામાં વધુ ઘટાડો કરવાની સૂચના આપવામાં આવે છે.
      2. જ્યારે વધુ તરસ લાગે ત્યારે જ ઓછા પ્રમાણમાં પાણી પીવું અથવા મોંમાં બરફનો નાનો ટુકડો રાખી ચૂસવો. જેટલું પાણી રોજ પીવાની છૂટ હોય તેટલા પાણીના બનાવેલા બરફના નાના-નાના કટકાઓથી તરસ વધુ સંતોષાય છે.

      1. ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઘટાડવાથી તરસ ઘટાડી શકાય છે. જ્યારે મોં સૂકાય ત્યારે પાણીના કોગળા કરી મોં ભીનું કરવું પણ પાણી પીવું નહિ. ચ્યુંઈગમ ખાવાથી પણ મોઢું સુકાતું અટકાવી શકાય છે.
      2. ચા માટેના કપ તથા પાણી પીવાના ગ્લાસ નાના માપના વાપરવાં.
      3. જમ્યા બાદ પાણી પીવામાં આવે ત્યારે જ દવા લઈ લેવી, જેથી દવા લેવા ફરી અલગ પાણીની જરૂર ન પડે.
      4. ડૉક્ટર દ્વારા ૨૪ કલાકમાં કુલ કેટલું પ્રવાહી લેવું તેની સૂચના આપવામાં આવે છે. આ પ્રમાણ ફક્ત પાણીનું નથી, પ્રવાહીમાં પાણી ઉપરાંત ચા, દૂધ, દહીં, છાશ, જ્યુસ, બરફ, આઈસક્રીમ, સૂપ, શરબત, દાળનું પાણી વગેરે પીવા માટે વપરાતા બધા જ પ્રવાહીનો સમાવેશ થાય છે. પીવા માટેના પ્રવાહીના માપમાં આ બધા જ પ્રવાહી મળી, લેવાનું કુલ પ્રવાહી ગણવાનું હોય છે.
      5. વધુ નમકવાળો, તીખો, તળેલો ખોરાક ઓછો લેવો કારણ કે તેનાથી વધુ તરસ લાગે અને પ્રવાહી વધુ લેવાઈ જાય.
      6. સામાન્ય ટેવ મુજબ કે અન્ય કોઈ પાણી પીવે ત્યારે સાથ આપવા પાણી ન પીવું.
      7. ગરમીમાં વધુ તરસ લાગે તેથી કિડની ફેલ્યરના દર્દીઓએ ઠંડા વાતાવરણમાં રહેવું સલાહભર્યું છે.
      8. દર્દીએ કોઈ પણ કામમાં પ્રવૃત્તિશીલ રહેવું, નવરા રહેવાથી તરસ લાગે છે, તેવી ઇચ્છા વહેલી થાય છે.
      9. ડાયાબિટીસના દર્દીઓના લોહીમાં ખાંડનું પ્રમાણ વધારે હોય તો તરસ વધારે લાગે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓમાં લોહીમાં ખાંડનું યોગ્ય પ્રમાણ તરસ ઘટાડી પ્રવાહી ઓછું લેવામાં મદદરૂપ બને છે.

      દર્દી ગણતરી કરી યોગ્ય માત્રામાં જ પ્રવાહી લઈ શકે તે માટે કઈ પદ્ધતિ સૂચવવામાં આવે છે?

      • દર્દીને જેટલું પ્રવાહી લેવાની સૂચના આપવામાં આવી હોય, તેટલું પ્રવાહી એક જગમાં રોજ ભરી લેવું જોઈએ.
      • જેટલું પ્રવાહી દર્દી કપ, ગ્લાસ કે વાટકામાં પીવે, તેટલું જ પાણી જગમાંથી તે જ વાસણમાં ભરી ફેંકી દેવામાં આવે છે.
      • આખા દિવસમાં જગમાંનું પાણી ખલાસ થાય તેટલું જ પ્રવાહી લેવાની છૂટ આપવામાં આવે છે.
      • બીજે દિવસે ફરી જગમાં પાણી ભરી માપ મુજબ પ્રવાહી પીવાની સૂચના આપવામાં આવે છે.
      • આ પદ્ધતિથી દર્દી પ્રવાહી લેવાની ગણતરી સરળતાથી કરી, માપસર જ પ્રવાહી ચોક્કસપણે લઈ શકે છે.

      ખોરાકમાં મીઠું (સોડિયમ) ઓછું

      ૪. ખોરાકમાં મીઠું (સોડિયમ) ઓછું લેવું

      કિડની ફેલ્યરના દર્દીઓને શા માટે ઓછું મીઠું (નમક) લેવાની સલાહ આપવામાં આવે છે?

      શરીરમાં સોડિયમ (મીઠું), પ્રવાહીનું અને લોહીના દબાણનું યોગ્ય પ્રમાણ જાણવામાં મદદ કરે છે. શરીરમાં સોડિયમના યોગ્ય પ્રમાણનું નિયમન કિડની કરે છે. જ્યારે કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થાય ત્યારે, શરીરમાંથી કિડની દ્વારા વધારાના સોડિયમનો નિકાલ થઈ શકતો નથી અને તેથી શરીરમાં સોડિયમનું પ્રમાણ વધે છે.

      શરીરમાં સોડિયમના વધુ પ્રમાણને કારણે થતા પ્રશ્નોમાં તરસ વધારે લાગવી, સોજા ચડવા, શ્વાસ ચડવો, લોહીનું દબાણ વધવું વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રશ્નો અટકાવવા કે ઘટાડવા માટે કિડની ફેલ્યરના દર્દીઓને ઓછું મીઠું (નમક) લેવાની સલાહ આપવામાં આવે છે.

      ખોરાકમાં કેટલું મીઠું (નમક) લેવું જોઈએ?

      આપણા દેશમાં સામાન્ય વ્યક્તિના ખોરાકમાં આખા દિવસમાં લેવાતા મીઠાનું પ્રમાણ ૬થી ૮ ગ્રામ જેટલું હોય છે. કિડની ફેલ્યરના દર્દીઓએ ખોરાકમાં ડૉક્ટરની સલાહ મુજબ મીઠું લેવું જોઈએ. મોટા ભાગના લોહીનું ઊચું દબાણ ધરાવતા કિડની ફેલ્યરના દર્દીઓને રોજ ૩ ગ્રામ જેટલું મીઠું લેવાની સલાહ આપવામાં આવે છે.

      ક્યા ખોરાકમાં મીઠું (સોડિયમ) વધુ માત્રામાં હોય છે?

      વધુ મીઠું (સોડિયમ) ધરાવતા ખોરાકની યાદી :

      1. મીઠું, ખાવાનો સોડા, ચાટ મસાલા
      2. પાપડ, અથાણાં, સંભાર, ચટણી
      3. ખાવાનો સોડા કે બેકિંગ પાવડર આવતા હોય તેવી ચીજો (બિસ્કિટ, બ્રેડ, કેક, પિત્ઝા, ભજીયાં, ઢોકળા, હાંડવો વગેરે)
      4. તૈયાર નાસ્તા જેવા કે નમકીન (સેવ, ચેવડા, ચકરી, ફરસીપુરી વગેરે) વેફર્સ, ધાણી, મીઠાવાળા સીંગદાણા, ચણા, કાજુ, પીસ્તા વગેરે
      5. તૈયાર મળતાં મીઠાવાળા (Salted) માખણ અને ચીઝ
      6. સોસ, કોર્નફલેકસ, સ્પેગેટી, મેક્રોની વગેરે
      7. શાકભાજી : મેથી, પાલક, કોથમીર, કોબી, ફ્લાવર, મૂળા, બીટ વગેરે
      8. ખારી લસ્સી, મસાલા સોડા, લીંબુ શરબત, નારિયેર પાણી
      9. દવાઓ : સોડિયમ બાયકાર્બોનેટની ગોળીઓ, એન્ટાસીડ, લેક્સેટિવ વગેરે

      ખોરાકમાં સોડિયમનું પ્રમાણ ઘટાડવા માટેનાં સૂચનો

      1. દરરોજની રસોઈમાં મીઠું ઓછું વાપરવું અને ઉપરથી મીઠું ન લેવું. જોકે શ્રેષ્ઠ પદ્ધતિ તો રસોઈ મીઠા વગરની કરવી તે છે, જેમાં રોજ જેટલું મીઠું લેવાની સૂચના આપવામાં આવી હોય તેટલું મીઠું માપી ઉપરથી ઉમેરવાથી ખાતરીપૂર્વક, ચોક્કસ પ્રમાણમાં જ સોડિયમ ખોરાકમાં લઈ શકાય છે.
      2. ભાખરી, રોટલી, ભાત જેવી ચીજોમાં મીઠું ન નાખવું.
      3. આગલી યાદીમાં જણાવેલ ખોરાકમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય તે ખોરાક ન લેવો કે ઓછો લેવો.
      4. વધુ સોડિયમ ધરાવતા શાકભાજી વધુ પાણીમાં ધોઈને વધુ પાણીમાં બાફી તે પાણી ફેંકી દેવાથી શાકભાજીમાંના સોડિયમનું પ્રમાણ સહેલાઈથી ઘટાડી શકાય છે.
      5. ઓછા મીઠાવાળા ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા જરૂર મુજબ ડુંગળી, લસણ, લીંબુ, તમાલપત્ર, એલચી, જીરું, કોકમ, લવીંગ, તજ, મરી, કેસર વગેરેનો ઉપયોગ કરી શકાય છે.
      6. મીઠાને બદલે ઓછા સોડીયમવાળું મીઠું-લોના ન લેવું. લોનામાં પોટેશિયમનું વધારે પ્રમાણ કિડની ફેલ્યરના દર્દીઓ માટે જોખમી બની શકે છે.

      પોટેશિયમ ઓછું લેવું

      ૩. પોટેશિયમ ઓછું લેવું

      કિડની ફેલ્યરના દર્દીઓને સામાન્ય રીતે ખોરાકમાં ઓછું પોટેશિયમ લેવાની સલાહ શા માટે આપવામાં આવે છે ?

      શરીરમાં હૃદય અને સ્નાયુની યોગ્ય કામગીરી માટે પોટેશિયમનું સામાન્ય પ્રમાણ જરુરી છે. કિડની ફેલ્યરના દર્દીઓમાં લોહીમાં પોટેશિયમ વધવાનો ભય રહે છે. લોહીમાં પોટેશિયમનું વધારે પ્રમાણ હૃદય અને શરીરના સ્નાયુઓની કાર્યક્ષમતા પર ગંભીર આડ અસર કરી શકે છે. પોટેશિયમ વધુ વધવા સાથે ઊભા થતા મુખ્ય જીવલેણ જોખમોમાં હૃદયના અને ફેફસાંના સ્નાયુ કામ ન કરી શકવાથી શ્વાસોશ્વાસ ઘટી કે બંધ થઈ જવો તે છે. શરીરમાં પોટેશિયમનું પ્રમાણ વધવાનો પ્રશ્ન જીવલેણ બની શકે તેવો ગંભીર હોવા છતાં તેનાં કોઈ ખાસ ચિહનો ન હોવાથી તેને ‘સાઈલેન્ટકિલર’ કહે છે.

      લોહીમાં સામાન્ય રીતે કેટલું પોટેશિયમ હોય છે? તે કેટલું વધુ હોય તો જોખમી ગણાય?

      સામાન્ય રીતે શરીરમાં પોટેશિયમનું પ્રમાણ 3.5થી 5.0 mEq/L જેટલું હોય છે. જ્યારે તે 5થી 6 mEq/L જેટલું હોય ત્યારે ખોરાકમાં વધુ સાવચેતી જરૂરી છે, જ્યારે તે 6.5 mEq/L કરતાં વધે ત્યારે તે જોખમી બને છે અને જ્યારે તે 7mEq/L કરતાં વધારે હોય ત્યારે તે કોઈ પણ સમયે જીવલેણ બની શકે છે.

      કિડની ફેલ્યરના દર્દીઓએ વધુ પોટેશિયમ ધરાવતો કયો ખોરાક ન લેવો જોઈએ? ઓછો પોટેશિયમ હોવાને કારણે કયો ખોરાક લેવાની દર્દીને છૂટ આપવામાં આવે છે?

      કિડની ફેલ્યરના દર્દીઓએ લોહીમાં પોટેશિયમ ન વધે તે માટે ડૉક્ટરની સૂચના મુજબનો ખોરાક લેવો જોઈએ. વધુ, મધ્યમ અને ઓછું પોટેશિયમ ધરાવતા ખોરાકની યાદી નીચે આપવામાં આવેલ છે.

      ૧૦૦ ગ્રામ ખોરાકમાં આવતા પોટેશિયમના પ્રમાણને ધ્યાનમાં લઈ આ વિભાગીકરણ કરવામાં આવ્યું છે.
      ૧. વધુ પોટેશિયમ = ૨૦૦ મિ.ગ્રા. કરતાં વધુ પોટેશિયમ
      ૨. મધ્યમ પોટેશિયમ = ૧૦૦-૨૦૦ મિ.ગ્રા. પોટેશિયમ
      ૩. ઓછું પોટેશિયમ = ૦-૧૦૦ મિ.ગ્રા. પોટેશિયમ

      વધુ પોટેશિયમ ધરાવતા ખોરાક :

      1. ફળો : કેળાં, ચીકુ, પાકી કેરી, મોસંબી, સીતાફળ, સાકર ટેટી, તાજું પાઈનેપલ, આંબળા, જરદાલુ, પીચ, આલુ બદામ, જામફળ, નારંગી, પપૈયું, દાડમ.
      2. શાકભાજી : અળવીનાં પાન, શક્કરિયા, સરગવાની શીંગ, કોથમીર, સૂરણ, બટેટા, પાલખ, ગુવાર, મશરૂમ, કોળું, ટામેટાં.
      3. સૂકા મેવા : ખજુર, કિસમિસ, કાજુ, બદામ, અંજીર, અખરોટ
      4. કઠોળ અને અનાજ : તુવેરદાળ, મગની દાળ, ચણા, ચણાદાળ, અડદની દાળ, બાજરો
      5. મસાલા : સૂકાં મરચાં, ધાણા જીરું, મેથી
      6. પીણાં : ભેંસનું દૂધ, ગાયનું દૂધ, નારિયેળ પાણી, તાજાં ફળોના રસ, ખૂબ ઉકાળેલું દૂધ (Condensed Milk), સૂપ, બોર્નવિટા, ચોકલેટ, બીયર, વાઈન.
      7. અન્ય : લોના સોલ્ટ, ચોકલેટ, કેડબરી, ચોકલેટ કેક, ચોકલેટ આઇસક્રીમ વગેરે.

      મધ્યમ પ્રમાણમાં પોટેશિયમ ધરાવતા ખોરાક :

      1. ફળો : તરબૂચ, લીચી, ચેરી, દ્રાક્ષ, નાસપતી
      2. શાકભાજી : રીંગણા, કોબીજ, ગાજર, ડુંગળી, મૂળા, કારેલાં, ભીંડો, ફ્લાવર, કાચી કેરી, લીલા વટાણા.
      3. અનાજ : મેંદો, જુવાર, પૌંઆ, મકાઈ, ઘઉં
      4. દહીં અને છાશ.

      ઓછું પોટેશિયમ ધરાવતો ખોરાક :

      1. ફળો : સફરજન, જાંબુ, લીંબુ, અનેનાસ, સ્ટ્રોબેરી
      2. શાકભાજી : દૂધી, કાકડી, તુરિયા, પરવળ, બીટ, મેથીની ભાજી, લસણ
      3. અનાજ : રવો, ચોખા
      4. પીણાઓ : કૉફી, લીંબુ પાણી, કોકાકોલા, ફેન્ટા, લિમ્કા, રિમઝિમ, સોડા
      5. અન્ય : મધ, જાયફળ, રાઈ, સૂંઠ, ફુદીનાનાં પાન, વિનેગર, લવિંગ, કાળા મરી.

      શાકભાજીમાં આવેલા પોટેશિયમ કઈ પદ્ધતિથી ઘટાડી શકાય?

      • શાકભાજીને સમારી એકદમ પાતળા (વેફર જેવા) અને નાના કટકા કરવા, છાલવાળા શાકભાજી(જેમ કે બટેટા, સૂરણ વગેરે)ની છાલ કાઢી નાખવી.
      • હૂંફાળા પાણીમાં ધોઈને આ શાકભાજીને થોડું ગરમ હોય તેવા પાણીમાં કલાક પલાળી રાખવાં. પાણીનું પ્રમાણ શાકભાજી કરતાં ૫-૧૦ ગણું વધારે લેવું.
      • બે કલાક બાદ ફરી હૂંફાળા પાણીમાં ૨-૩ વખત ધોયા બાદ શાકભાજીને વધારે પડતા પાણીમાં બાફવાં.
      • જે પાણીમાં શાક બાફેલું હોય તે પાણી ફેંકી દેવું અને નિતારેલાં શાકભાજીનું સ્વાદ મુજબનું શાક બનાવવું.
      • આ રીતે શાકભાજીમાં આવેલા પોટેશિયમનું પ્રમાણ ઘટાડી શકાય છે, પરંતુ સંપૂર્ણ રીતે દૂર કરી શકાતું નથી. આ કારણસર વધુ પોટેશિયમ ધરાવતાં શાકભાજી ઓછા લેવાં કે ન લેવાની સલાહ આપવામાં આવે છે.
      • આ રીતે બનાવેલા ખોરાકમાં પોટેશિયમ સાથે વિટામિન્સ પણ દૂર થઈ જાય છે, તેથી આવા ખોરાક સાથે ડૉક્ટરની સૂચના મુજબ વિટામિનની ગોળી લેવી જરૂરી છે.

      ફોસ્ફરસ ઓછું લેવું

      ૪. ફોસ્ફરસ ઓછું લેવું

      કિડની ફેલ્યરના દર્દીઓએ ફોસ્ફરસ ધરાવતો ખોરાક શા માટે ઓછો લેવો જોઈએ?

      • શરીરમાં ફોસ્ફરસ અને કૅલ્શિયમનું સામાન્ય પ્રમાણ હાડકાંના વિકાસ, તંદુરસ્તી અને મજબૂતી માટે જરૂરી છે. સામાન્ય રીતે ખોરાકમાં વધારાના ફોસ્ફરસને કિડની પેશાબ વાટે નિકાલ કરી તેનું યોગ્ય પ્રમાણ લોહીમાં જાળવે છે.
      • સામાન્ય રીતે લોહીમાં ફોસ્ફરસનું પ્રમાણ ૪.૫-૫.૫ મી.ગ્રા.% હોય છે.
      • કિડની ફેલ્યરના દર્દીઓમાં વધારાના ફોસ્ફરસનો નિકાલ ન થઈ શકતાં તેનું પ્રમાણ લોહીમાં વધે છે. લોહીમાં રહેલા વધારે ફોસ્ફરસને હાડકાંમાંથી કૅલ્શિયમ ખેંચી લે છે, જેથી હાડકાં નબળાં પડે છે.
      • શરીરમાં ફોસ્ફરસ વધવાને કારણે થતા મુખ્ય પ્રશ્નોમાં ખંજવાળ આવવી, સ્નાયુ નબળા થઈ જવા, હાડકાંનો દુખાવો અને હાડકાં નબળાં અને કડક થઈ જવાને કારણે ફ્રેક્ચર થવાની શક્યતા વધી જવી વગેરે છે.

      કયો ખોરાક વધુ ફોસ્ફરસ હોવાને કારણે ઓછો લેવો કે ન લેવો જોઈએ?

      વધુ ફોસ્ફરસ ધરાવતા ખોરાકની યાદી નીચે મુજબ છે :

      • દૂધ, દૂધની બનાવટો, ચીઝ, આઇસક્રીમ, મિલ્ક્શેઈક, ચોકલેટ
      • કાજુ, બદામ, પીસ્તા, અખરોટ, સુકું નારિયેળ
      • ઠંડાં પીણાં : કોકાકોલા, ફેન્ટા, માઝા, ફ્રૂટી

      • સીંગદાણા, માંડવીપાક, ગાજર, અળવીના પાન, શક્કરિયા, મકાઈના દાણા, લીલા વટાણા.

      ૫. ખોરાક અંગેનાં સૂચનો

      કિડની ફેલ્યરના દર્દીએ ક્યા પ્રકારનો અને કેટલો ખોરાક લેવો તે ચાર્ટ નેફ્રોલોજિસ્ટની સૂચના મુજબ ડાયેટિશિયન દ્વારા તૈયાર કરવામાં આવે છે. પરંતુ ખોરાક માટેના સામાન્ય સૂચનો નીચે મુજબ છે :

      ૧. પ્રવાહી : ડૉક્ટરે સૂચના આપી હોય તેટલા પ્રમાણમાં જ પ્રવાહી લેવું. રોજ વજન કરી ચાર્ટ રાખવો, વજનમાં એકાએક વધારો થાય તે વધુ પ્રવાહી લેવામાં આવ્યું છે તેવું સૂચવે છે.

      ૨. કાર્બોહાઈડ્રેટ્રસ : શરીરને પૂરતા પ્રમાણમાં કેલેરી મળે તે માટે અનાજ-કઠોળની સાથે (જો ડાયાબિટીસ ન હોય તો) ખાંડ કે ગ્લુકોઝ કે તે ધરાવતા ખોરાકનો વધારે ઉપયોગ કરી શકાય.

      ૩. પ્રોટીન : મુખ્યત્વે દૂધ, કઠોળ, અનાજ, ઈંડાં, મરઘીમાં વધારે પ્રોટીન મળે છે. ડાયાલિસિસની જરૂર ન હોય એવા તબક્કામાં હોય તેવા કિડની ફેલ્યરના દર્દીઓને ઓછું પ્રોટીન (૦.૮ ગ્રામ/કિલોગ્રામ શરીરના વજન જેટલું) લેવાની સલાહ આપવામાં આવે છે. જોકે નિયમિત ડાયાલિસિસ શરૂ કર્યા બાદ, ખાસ કરીને સી.એ.પી.ડી. કરાવતા દર્દીઓમાં વધુ પ્રોટીન લેવું અત્યંત આવશ્યક છે. સી.એ.પી.ડી.નું પ્રવાહી પેટની બહાર નીકળે ત્યારે સાથે પ્રોટીન નીકળી જતું હોવાથી જો વધારાનું પ્રોટીન આપવામાં ન આવે તો શરીરમાં પ્રોટીન ઘટી જાય છે, જે હાનિકારક છે.

      ૪. ચરબીયુક્ત પદાર્થો : ચરબીનું પ્રમાણ ખોરાકમાં ઓછું લેવું જોઈએ. ઘી, માખણ વગેરે ખોરાકમાં ઓછા લેવાં જોઈએ પરંતુ તે સદંતર બંધ કરી દેવા પણ હાનિકારક છે. તેલની પસંદગીમાં સામાન્ય રીતે સીંગતેલ કે સોયાબીન તેલ ફાયદાકારક છે, જે ઓછા પ્રમાણમાં લેવાની સલાહ આપવામાં આવે છે.

      ૫. મીઠું (નમક) : મોટા ભાગના દર્દીઓને મીઠું ઓછું લેવાની સલાહ આપવામાં આવે છે. ખોરાકમાં સોડિયમના પ્રમાણને ધ્યાનમાં લઈ ખોરાકનું આયોજન કરવું. ઉપરથી મીઠું ન લેવું, ખાવાના સોડા-બેકિંગ પાવડરવાળી ચીજો પણ ઓછી લેવી કે ન લેવી. મીઠાને બદલે સિંધાલૂણ કે લોના (ઓછા સોડિયમવાળું મીઠું-Low Sodium Salt) ન લેવું.

      ૬. અનાજ : અનાજમાં ચોખા કે તેમાંથી બનાવેલા પૌંઆ-મમરા વગેરે ચીજો વધારે વાપરવી. દરરોજ એકજ અનાજ વાપરવાને બદલે ઘઉં, ચોખા, પૌંઆ, સાબુદાણા, રવો, મેંદો, તાજી મકાઈ, કોર્નફલેકસ વગેરે લઈ શકાય. જુવાર, મકાઈ તથા બાજરી ઓછાં લેવાં.

      ૭. કઠોળ : બધા પ્રકારની દાળ પ્રમાણસર લઈ શકાય. જુદી જુદી દાળ લેવાથી ખોરાકમાં વૈવિધ્ય આવી શકે છે. દાળ સાથે પ્રવાહી આવતું હોવાથી પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય ત્યારે જાડી દાળ લેવી. કઠોળનું પ્રમાણ ડૉક્ટરની સૂચના મુજબ લેવું. કઠોળમાંના પોટેશિયમને ઘટાડવા તેને વધુ પાણીથી ધોયા બાદ, ગરમ પાણીમાં પલાળી તે પાણી ફેંકી દેવું. વધારે પાણી કઠોળને બાફ્યા બાદ તે પાણી ફેંકી દીધા બાદ સ્વાદ મુજબ બનાવવા. દાળ અને ચોખાને બદલે તેમાંથી બનેલી કઢી-ખીચડી, ઈડલી, ઢોંસા વગેરે લઈ શકાય.

      ૮. શાકભાજી : આગળ જણાવ્યા મુજબ ઓછું પોટેશિયમ ધરાવતાં શાકભાજી પૂરતા પ્રમાણમાં લેવાં. વધુ પોટેશિયમ ધરાવતાં શાકભાજીમાંથી આગળ ચર્ચા કર્યા મુજબ પોટેશિયમનું પ્રમાણ ઘટાડ્યા બાદ શાક બનાવવું. સ્વાદ માટે દાળ-શાકમાં લીંબુ નિચોવી શકાય.

      ૯. ફળો : ઓછા પોટેશિયમવાળા ફળો (સફરજન, પપૈયું, જામફળ, પેર વગેરે) પણ દિવસમાં એકથી વધુ વખત ન લેવાં. ડાયાલિસિસને દિવસે ડાયાલિસિસ પહેલાં ગમે તે એક ફળ ખાઈ શકાય. નારિયેળનું પાણી કે ફળોના રસ ન લેવાં.

      ૧૦. દૂધ અને તેની બનાવટો : રોજ ૩૦૦-૩૫૦ એમ.એલ. જેટલું દૂધ કે તેમાંથી બનેલી અન્ય વાનગીઓ (ખીર, આઈસક્રીમ, દહીં, છાશ) લઈ શકાય. પ્રવાહી ઓછું લેવાની સૂચનાને ધ્યાનમાં લઈ છાશ ઓછા પ્રમાણમાં લેવી.

      ૧૧. ઠંડાં પીણાં : પેપ્સી, ફેન્ટા, ફ્રૂટી વગેરે પીણાં ન લેવાં. ફ્રૂટ જ્યુસ, નારિયેળ પાણી ન લેવાં.

      ૧૨. સૂકો મેવો : સૂકો મેવો, સીંગદાણા, તલ, લીલું કે સૂકું નારિયેળ ન લેવાં.

    Please feel free to contact our friendly reception staff with any medical enquiry or call (+91) 720 298 0006


    Rupala Kidney & Prostate Hospital
    Address

    5th Floor, Rexona, Lal Darwaja Station Rd, Surat, Gujarat 395003

    Opening Hours
    Monday - Saturday 10 AM - 12 PM
         5 PM - 8 PM
    Emergency 24x7
    About Us

    Rupala Kidney & Prostate Hospital has been running under the active supervision of Dr Ketan Rupala, M.B.B.S, M.S., DNB (Urology), a senior and competent urologist.